જીવનમાં સકારાત્મકતા કેળવવાના ૮ સોપાન
જીવનમાં સકારાત્મકતા કેળવવાના ૮ સોપાન
આપણામાંથી ઘણા લોકોનો કોઈ ને કોઈ લકી નંબર હોય છે, મારો મનગમતો આંકડો આઠ છે. આ આંકડા પાછળનું આધ્યાત્મિક અને વ્યવહારિક રહસ્ય એટલું ઊંડું છે કે તે આપણા જીવનમાં સકારાત્મકતાનો સંચાર કરી શકે છે. જો આપણે પુષ્ટિમાર્ગની વાત કરીએ, તો પ્રભુ શ્રીકૃષ્ણના પરમ સખા પણ આઠ હતા. તોક, અર્જુન, ઋષભ, સુબલ, શ્રીદામા, વિશાલ અને ભોજ. આ એવા અંતરંગ મિત્રો હતા જેમણે દ્વાપર યુગમાં પ્રભુ સાથે બાળપણ અને કિશોરાવસ્થાની લીલાઓ માણી. એવી જ રીતે, રાધારાણીની અષ્ટસખી હતી, લલિતા, વિશાખા, ચંપકલાતા, ચિત્રા, તુંગવિદ્યા, ઇન્દુલેખા, રંગદેવી અને સુદેવી, જેમણે રાધા-કૃષ્ણ પર અસીમ પ્રેમ વરસાવ્યો. શ્રીનાથજીના મંદિરમાં પણ આઠ સેવાધારીઓ હોય છે અને ત્યાં અષ્ટછાપના કવિઓ દ્વારા રચાયેલા કીર્તનો ગવાય છે. મહારાષ્ટ્રના અષ્ટવિનાયક વિશે તો આપણે સૌ જાણીએ જ છીએ, જ્યાં ભગવાન ગણેશની આઠ સ્વયંભૂ મૂર્તિઓ બિરાજમાન છે. આ બધું જ દર્શાવે છે કે આઠનો આંકડો જીવનમાં દિવ્યતા અને સકારાત્મકતાનું પ્રતીક છે.
સંખ્યાશાસ્ત્રમાં પણ આઠના અંકને સફળતા, સમૃદ્ધિ અને સંતુલન સાથે જોડવામાં આવ્યો છે. એશિયન અને ચાઇનીઝ સંસ્કૃતિમાં તેને ધન-વૈભવ લાવનારો શુભ અંક માનવામાં આવે છે. હિન્દુ પૌરાણિક કથાઓ અનુસાર સૃષ્ટિના પાલનહાર ભગવાન વિષ્ણુએ પણ સંસારમાં પરિવર્તન લાવવા માટે આઠ મુખ્ય અવતાર લીધા હતા. વ્યવહારિક દ્રષ્ટિએ જોઈએ તો, આપણી ૨૪ કલાકની દિનચર્યા પણ આઠના સંતુલન પર ટકેલી છે. ૮ કલાક કામ, ૮ કલાક ઊંઘ અને ૮ કલાક વ્યક્તિગત વિકાસ, પરિવાર કે શોખ માટે. આ આઠના આંકડાના આકર્ષણમાંથી જ મને એક નવો વિચાર આવ્યો છે. મેં ૮ ફકરા અને ૮ ચિત્રો સાથે સકારાત્મકતા ફેલાવતા લેખો લખવાની શરૂઆત કરી. એક નાનકડા વિચારથી શરૂ થયેલી આ સફર આજે ૨૫૦થી વધુ લેખોના સંગ્રહ સાથે ઇતિહાસ બની ગઈ છે.
મારા આ અનુભવો અને ચિંતનમાંથી જીવનને સકારાત્મક બનાવતા કેટલાક મુખ્ય પાસાંઓ વિશે હું વાત કરવા માંગુ છું એમાં પહેલું પાસું શિસ્તનું છે. શિસ્ત એ સફળ જીવનનો પાયો છે. તે આપણને આપણા લક્ષ્યો પ્રત્યે પ્રતિબદ્ધ રાખે છે. જેમ કે, શ્રવણમંદ બાળક જ્યારે સાંભળવાનું મશીન લગાવે, ત્યારે તેણે બોલતા અને સાંભળતા શીખવા માટે એક ચોક્કસ પુનર્વસન રૂટિનનું પાલન કરવું પડે છે. આ શિસ્તબદ્ધ અભિગમ જ તેને સંચારના અવરોધો પાર કરવામાં મદદ કરે છે. તેવી જ રીતે, આપણા રોજિંદા વ્યવહાર, સ્વાસ્થ્ય અને કરિયરમાં રાખેલી શિસ્ત જીવનમાં સ્થાયી સકારાત્મકતા લાવે છે.
ગમે તેવા પડકારો સામે નીડરતાથી ઊભા રહેવાની શક્તિ આપણને આત્મવિશ્વાસ આપે છે. શ્રવણની ક્ષતિ ધરાવતા ઘણા લોકો શરૂઆતમાં સંવાદ સાધવામાં સંકોચ અનુભવે છે, પરંતુ જેઓ પોતાની વિશિષ્ટતાને સ્વીકારીને આત્મવિશ્વાસથી બોલવાનો પ્રયત્ન કરે છે, તેઓ સફળ થાય છે. એક એવા વિદ્યાર્થીનું ઉદાહરણ મારી સામે છે જે શરૂઆતમાં વર્ગખંડમાં બોલતા ડરતો હતો, પરંતુ યોગ્ય તાલીમ અને આત્મવિશ્વાસના બળે તે વક્તૃત્વ સ્પર્ધામાં અવ્વલ આવ્યો. આત્મવિશ્વાસ આપણી મર્યાદાઓને પણ શક્તિમાં બદલી નાખે છે.
જ્યારે રસ્તાઓ મુશ્કેલ હોય ત્યારે આપણને આગળ ધપાવનારું બળ એટલે પ્રતિબદ્ધતા. શ્રવણમંદ બાળકોના માતા-પિતા પોતાના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે સંપૂર્ણપણે સમર્પિત થઈ જાય છે. નિયમિત થેરાપી સેશન્સ લેવા, સાઇન લેંગ્વેજ શીખવી અને શ્રેષ્ઠ શિક્ષણ આપવું. તેમની આ અડગ પ્રતિબદ્ધતા બાળકનું જીવન બદલી નાખે છે. જીવનના કોઈપણ ક્ષેત્રમાં આપણી આવી જ પ્રતિબદ્ધતા મુશ્કેલીઓને સફળતાના સોપાન બનાવી દે છે.
આપણી ભાવનાત્મક સુખાકારી માટે સંબંધો ખૂબ જ મહત્વના છે. જેમ હિયરિંગ એઇડ કે કોક્લિયર ઇમ્પ્લાન્ટ એક વ્યક્તિને બાહ્ય દુનિયા સાથે જોડે છે, તેમ સાચા સંબંધો આપણા હૃદયના શૂન્યાવકાશને ભરે છે. એકલતા અનુભવતી વ્યક્તિ જ્યારે સમાન પરિસ્થિતિ વાળા લોકોના સપોર્ટ ગ્રુપ કે મિત્રોના સંપર્કમાં આવે છે, ત્યારે તેનો આત્મવિશ્વાસ બમણો થઈ જાય છે. પરિવાર અને મિત્રો સાથેનો આવો જ સ્નેહપૂર્ણ સંબંધ આપણને સકારાત્મક રાખે છે.
પ્રેમ અને દયાનો એક નાનો અમથો સંકેત પણ કોઈનું જીવન બદલી શકે છે. વિચારો કે, એક શિક્ષક જ્યારે વર્ગખંડમાં કોઈ શ્રવણમંદ બાળકને વિશેષ સ્નેહ આપીને પોતાની સાથે જોડે છે, ત્યારે તે બાળકના વિકાસ માટે કેવું સુંદર વાતાવરણ સર્જાય છે! આ સાથે જ, નમ્રતા આપણને જમીન સાથે જોડી રાખે છે. આપણે ગમે તેટલા સફળ થઈએ, પણ એ યાદ રાખવું જોઈએ કે શીખવાનું ક્યારેય બંધ થતું નથી.
દરેક વ્યક્તિમાં અનંત ક્ષમતાઓ છુપાયેલી હોય છે. દુનિયામાં એવા ઘણા શ્રવણમંદ વ્યક્તિઓ છે જેમણે કળા, રમતગમત કે બિઝનેસમાં ડંકો વગાડ્યો છે, કારણ કે તેમણે સામાજિક અવરોધો સામે ઝૂકવાને બદલે પોતાની કુશળતાને ધાર કાઢી. સંગીતના ધબકારા અને વાઇબ્રેશનને અનુભવીને નૃત્ય કરતી એક શ્રવણમંદ દીકરી એ વાતની સાબિતી છે કે મર્યાદાઓ માત્ર આપણા મનમાં હોય છે, જીવનમાં નહીં.
જ્યારે આપણે આપણી આંતરિક શક્તિઓને ઓળખીને ક્ષમતાઓનો વિસ્તાર કરીએ છીએ, ત્યારે માત્ર આપણું જ નહીં, પણ આપણી આસપાસના અનેક લોકોનું જીવન પ્રેરણામય બની જાય છે.
Comments
Post a Comment