આપવાનો આનંદ એ જીવન જીવવાની સાચી જડીબુટ્ટી
આપવાનો આનંદ એ જીવન જીવવાની સાચી જડીબુટ્ટી
આપણો દેશ, આપણી માતૃભૂમિ અને દેશની રક્ષા કરતા આપણા વીર જવાનો ખરેખર તો આપવાનો આનંદ શું છે, તે આ લોકો જ સાચા અર્થમાં જાણે છે. તાજેતરમાં મને જેસલમેર અને ત્યાં આવેલા ઐતિહાસિક લોંગેવાલા યુદ્ધ સ્થળની મુલાકાત લેવાનો મોકો મળ્યો. ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન આપણી લોંગેવાલા રેજિમેન્ટે દેશ માટે કેવી અદભુત લડત આપી હતી, તેની શૌર્યગાથા ત્યાંના મ્યુઝિયમમાં જીવંત કરવામાં આવી છે. દેશ પ્રત્યેનું સમર્પણ અને વિપરીત પરિસ્થિતિઓમાં પણ ટકી રહેવાની આપણા જવાનોની પ્રતિબદ્ધતા જોઈને મારી આંખો ભરાઈ આવી.
ત્યાં મેં ભારતીય ત્રિરંગા પર લખેલો એક ખૂબ જ સ્પર્શી જાય તેવો સંદેશ વાંચ્યો. એમાં લખ્યું હતું કે, અમે દેશના સૈનિકો, દરેક પળે માત્ર રાષ્ટ્રનું જ સ્વપ્ન જોઈએ છીએ. જ્યારે પણ અમારું મૃત્યુ થાય, ત્યારે અમને અમારા ત્રિરંગાની હૂંફ મળે. અને અમારી બસ એક જ ઈચ્છા છે કે અમારો પુનર્જન્મ પણ આ જ ભારતભૂમિ પર થાય. કેવું અદભુત સમર્પણ. દેશ માટે તન, મન અને ધન ન્યોછાવર કરી દેવામાં કેવો પરમાનંદ હશે. ૧૯૭૧ના એ યુદ્ધમાં ૪-૫ ડિસેમ્બરની રાત્રે પાકિસ્તાની સેના સામે આપણા ગણતરીના જ જવાનો હતા, પણ તેમની સતર્કતા અને દેશભક્તિ એટલી પ્રબળ હતી કે ભારતે માત્ર બે વીર જવાનો ગુમાવ્યા, જ્યારે પાકિસ્તાનના ૨૦૦થી વધુ સૈનિકો માર્યા ગયા. દેશ કાજે બલિદાન આપવાનો જે આનંદ છે, તે માત્ર એક સૈનિક જ સમજી શકે. આપણી સુરક્ષા માટે પોતાના પ્રાણની આહુતિ આપનારા આ જવાનોને મારા શત-શત નમન.
એક માતા, પછી તે સરહદ પર લડતા સૈનિકની હોય કે આપણા જેવા સામાન્ય નાગરિકની, તેના સંસ્કારો બાળકના જીવન ઘડતરમાં સિંહફાળો આપે છે. કેટલીક માતાઓ બાળકને ત્યાગ અને સમર્પણ શીખવે છે, કેટલીક પોતાના હક માટે લડતા શીખવે છે, તો વળી કેટલીક બાળકના મનમાં માત્ર હરીફાઈ અને સરખામણીનું ઝેર ઘોળે છે. આજે એક માતા તરીકે આપણે નક્કી કરવાનું છે કે આપણે આપણા બાળકને કેવા સંસ્કાર આપવા છે? શું આપણે તેમને આત્મવિશ્વાસુ, સુરક્ષિત અને સંકલ્પબદ્ધ બનાવવા છે? કે પછી વધુ પડતા લાડ-કોડ લડાવીને, તેમને અસુરક્ષા, ઈર્ષ્યા અને ગળાકાપ સ્પર્ધાના દલદલમાં ધકેલી દેવા છે?
મારો આ જેસલમેરનો પ્રવાસ માત્ર સરહદ સુધી સીમિત નહોતો. ત્યાં મને કેટલીક એવી અદભુત માતાઓ અને કોર્પોરેટ લીડર્સની પત્નીઓને મળવાનો મોકો મળ્યો, જેમના સમર્પણે મને સ્તબ્ધ કરી દીધી. તેમાંથી એક બહેન કેન્સર સર્વાઇવર હતા, છતાં તેઓ એક એનજીઓ ચલાવીને વાર્તાઓ દ્વારા સમાજમાં સકારાત્મકતા ફેલાવી રહ્યા હતા. બીજા એક માજી અનેક શારીરિક તકલીફો હોવા છતાં, હસતા મોઢે પરિવારની જવાબદારી સંભાળતા હતા. એક બહેન ઓટોમોબાઈલ એન્જિનિયર હતા, જેઓ પોતાની પ્રોફેશનલ લાઈફ અને બાળકના ઉછેર વચ્ચે અદભુત સંતુલન જાળવી રહ્યા હતા. આ બધી જ મહિલાઓમાં જે વાત કોમન હતી, તે હતી તેમની નમ્રતા. પોતાના પતિના બિઝનેસ પ્રવાસોમાં હસતા મુખે સાથ આપવો અને પરિવારને સર્વસ્વ અર્પણ કરવામાં તેમને જે સાચો આનંદ મળતો હતો, તે જોવો એ મારા માટે એક પ્રેરણાદાયી અનુભવ હતો.
હું હંમેશાં માનું છું કે જો આપણે જીવનમાં સાચો આનંદ મેળવવો હોય, તો પહેલાં આપતા શીખવું પડશે. જે આપણે આપીએ છીએ, તે જ કુદરત આપણને બમણું કરીને પાછું આપે છે. શ્રવણમંદ બાળકો સાથે કામ કરતી વખતે મેં એક સાયન્ટિફિક ફોર્મ્યુલા શીખી છે. આપણું મગજ જે વિચારો પ્રક્રિયા કરે છે, તે સાંભળવાની ક્ષમતા દ્વારા સિગ્નલ મેળવે છે. સાંભળવાથી જ આપણે સમજી શકીએ છીએ અને વિચારી શકીએ છીએ. સાંભળવાની ગુણવત્તા જેટલી સારી, એટલી જ આપણી સમજણ શક્તિ સારી અને જેટલી સમજણ સારી, એટલી જ આપણી અભિવ્યક્તિ ઉત્તમ.
જ્યારે હું ટેકનોલોજીના માધ્યમથી આ માસૂમ બાળકોને સાંભળવાની શક્તિ આપવાનો પ્રયાસ કરું છું, ત્યારે તેમના ચહેરા પરની સ્માઈલ મને જે ખુશી આપે છે તેની કોઈ કિંમત નથી. ટેકનોલોજીનો સાચો અને અસરકારક ઉપયોગ સમાજમાંથી દિવ્યાંગતા ઘટાડવામાં કેટલી મોટી ભૂમિકા ભજવી શકે છે, તેનો મને રૂબરૂ અહેસાસ થયો છે.
હમણાં મને શ્રીનાથજી દર્શન કરવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું. ત્યાં મેં જોયું કે મંદિરના ચોકમાં દર્શન માટે આવનારાઓમાં મોટો વર્ગ વડીલો અને સિનિયર સિટિઝન્સનો જ હતો. આજનો યુવાન ક્યાંક ખોવાઈ ગયો છે. આજના યુવાનોને લાગે છે કે અત્યારે કરિયર બનાવવાની ઉંમર છે, બાળકોના ભણતરની જવાબદારી છે, સોશિયલ લાઈફ, જિમ અને પ્રવાસો જરૂરી છે. તેઓ વિચારે છે કે, એકવાર આ બધી જવાબદારીઓ પતી જાય, પછી નિરાંતે ભક્તિ કરીશું, ચારધામની યાત્રાએ જઈશું કે મંદિરે જઈશું.
ત્યાં મારી મુલાકાત ચાર વડીલ માતાઓ સાથે થઈ. સહજ વાતચીતમાં તેમણે જે દર્દ વ્યક્ત કર્યું તે આંખ ખોલનારૂં હતું. તેમણે કહ્યું, બેટા, કેટલાય સમયથી અમારે શ્રીનાથજી આવવું હતું. અમે રાહ જોતા હતા કે છોકરાઓ સમય કાઢે તો સાથે આવીએ, કારણ કે હવે એકલા પ્રવાસ કરવો અઘરો પડે છે. પણ બાળકો પાસે સમય જ ક્યાં છે? એટલે આખરે અમે બધી બહેનપણીઓએ એકબીજાનો સહારો લીધો અને જાતે જ નીકળી પડી.
એક માજીએ ભીની આંખે કહ્યું, મારી દીકરી મને કહે છે કે, ‘મમ્મી, મને પાંચ વર્ષ આપ, પછી હું તારી સાથે યાત્રાએ આવીશ, તારી સાથે પૂજા કરીશ અને સેવા કરીશ.’ થોડીવાર અટકીને તેમણે નિસાસો નાખતા ઉમેર્યું, પણ એ પાગલને કોણ સમજાવે કે જો પાંચ વર્ષ પછી હું જ નહીં રહું, તો તેને પૂજા-પાઠ કરતા કોણ શીખવશે? બીજા એક માજીએ કહ્યું, મારા છોકરાઓ કહે છે કે ‘મમ્મી, તું જ અમારા વતી ભગવાનને પગે લાગી લે ને, અમારી પાસે ટાઈમ નથી.’ પણ કાલે સવારે જ્યારે હું દુનિયામાં નહીં હોઉં, ત્યારે તેમના માટે પ્રાર્થના કોણ કરશે?" જ્યારે ત્રીજા માજીએ પોતાની લાકડી બતાવીને કહ્યું, મને ચાલવામાં તકલીફ પડે છે, કોઈનો હાથ હોય તો સારું રહે. પણ ક્યાં સુધી કોઈની રાહ જોવી? હવે તો ઠાકોરજી પર ભરોસો રાખીને નીકળી પડી છું, એ જ મારો હાથ પકડશે. તેમની વાતો સાંભળીને મેં એ વડીલ માતાઓનો ઉત્સાહ વધારતા કહ્યું કે, તમે જ્યારે ઘરે પાછા જાઓ ત્યારે તમારા બાળકોને મારી આ બે લાઈનો જરૂર સંભળાવજો: માયા કા દાસ હમેશા ઉદાસ, ઔર કૃષ્ણ કા દાસ હમેશા બિન્દાસ. જે લોકો ભગવાન પર ભરોસો રાખ્યા વગર માત્ર ભૌતિક સુખો અને રોજિંદી ઘટમાળમાં અટવાયેલા રહે છે, તેઓ જીવનમાં હંમેશાં બેચેન અને ઉદાસ જ રહે છે. તેમની પાસે જવાબદારીઓ સિવાય વિચારવાનો સમય જ નથી હોતો. જ્યારે જેઓ ભગવાન માટે સમય કાઢે છે, પરમાત્મા પર અતૂટ શ્રદ્ધા રાખે છે, તેઓ ગમે તેવી પરિસ્થિતિમાં પણ ‘બિન્દાસ’ અને આત્મવિશ્વાસુ રહે છે, કારણ કે તેમને ખબર છે કે ઈશ્વર તેમની સાથે જ છે. આ વડીલો પાસેથી શીખવા જેવું છે કે જીવનમાં સંતુલન કેટલું જરૂરી છે. તન, મન અને આત્મા આ ત્રણેયનું સ્વાસ્થ્ય જ્યારે સુમેળમાં હોય, ત્યારે જ જીવનની સફર સરળ બને છે.
Comments
Post a Comment