સમૂહ ભાવનાથી જ સાર્થક બને છે ઉત્સવનો સાચો આનંદ

સમૂહ ભાવનાથી જ સાર્થક બને છે ઉત્સવનો સાચો આનંદ

તહેવારો માત્ર કેલેન્ડરની વાર્ષિક તારીખો કે પરંપરાઓ નથી; તે આપણા પરિવાર, મિત્રો અને સમગ્ર સમાજને એકતા અને આનંદના એક જ તાંતણે બાંધવાનો અનોખો અવસર છે. તહેવારો આપણને કૃતજ્ઞતા, સંગાથ અને જીવનમાં સકારાત્મકતાના સંચારનું મહત્વ યાદ અપાવે છે. પરંતુ, ઉત્સવનો સાચો આત્મા માત્ર આપણી વ્યક્તિગત ખુશીઓમાં નથી વસેલો, એનો સાચો અર્થ તો ત્યારે જ સાર્થક થાય છે જ્યારે આપણે એ ખુશીઓને આપણી આસપાસના લોકો સુધી પહોંચાડીએ. ખાસ કરીને એવા લોકો સુધી, જેમને ઉજવણીની તકો ઓછી મળે છે.

જ્યારે આપણે આપણી ઉજવણીઓને વધુ સમાવેશી બનાવીએ છીએ, ત્યારે આપણે એક એવા વિશ્વનું નિર્માણ કરીએ છીએ જ્યાં દરેક વ્યક્તિ, તેની ક્ષમતાઓ કે પરિસ્થિતિઓને ધ્યાનમાં લીધા વિના, ઉત્સવના આનંદનો અનુભવ કરી શકે છે. મેં હંમેશાં એ વાતમાં વિશ્વાસ રાખ્યો છે કે ઉજવણીઓ માત્ર વિધિ-વિધાનો પૂરતી સીમિત ન હોવી જોઈએ; તેમાં પ્રેમ, દયા અને સર્વ-સ્વીકૃતિની ભાવના પ્રતિબિંબિત થવી જોઈએ. દિવ્યાંગો અને વિશેષ કરીને સાંભળવાની અક્ષમતા ધરાવતા સમુદાય સાથે કામ કરવાની મારી સફર દરમિયાન, મેં પ્રત્યક્ષ જોયું છે કે આપણો એક નાનો અને વિચારપૂર્વકનો પ્રયાસ અન્ય લોકોના જીવનમાં અસીમ આનંદ લાવી શકે છે.

જ્યારે આપણે દિવ્યાંગજનો, બાળકો કે વડીલોને ઉજવણીનો હિસ્સો બનાવીએ છીએ, ત્યારે એક સામાન્ય તહેવાર પણ અત્યંત અર્થપૂર્ણ બની જાય છે. માનવ સંવેદના અને જોડાણની ખરી શક્તિ આપણને આ ક્ષણોમાં જ જોવા મળે છે.

જોશ ફાઉન્ડેશન દ્વારા શરૂ કરવામાં આવેલી એક હૃદયસ્પર્શી પહેલ આ સર્વસમાવેશી ઉજવણીનું ઉત્તમ ઉદાહરણ છે. ડાયનાકોન્સ ના CSR સહયોગથી, ડોંબિવલીની અસ્તિત્વ સ્કૂલના 45 દિવ્યાંગ બાળકોને એક કોર્પોરેટ ઓફિસના વાતાવરણમાં આવવાની, કર્મચારીઓ સાથે વાર્તાલાપ કરવાની અને ઓફિસમાં જ તેમના હિયરિંગ એડ્સ પ્રોગ્રામિંગ કરવાની તક મળી. આ પહેલ માત્ર શ્રવણ સહાય આપવા પૂરતી સીમિત નહોતી; તે આ બાળકોને આત્મવિશ્વાસ અને આપણાપણાનો અહેસાસ કરાવવા માટે હતી. તેમના ચહેરા પરની ચમક દર્શાવતી હતી કે દયા અને કરુણાની ભાવના જ તહેવારોનો સાચો પ્રાણ છે.

તહેવારો આપણને જીવનમાં ઉતારવા જેવા ઊંડા આધ્યાત્મિક વિચારો પણ આપે છે. રંગોના પર્વ હોળી નજીક આવી રહ્યો છે ત્યારે આપણે ભગવાન શ્રીકૃષ્ણના જીવનમાંથી પ્રેરણા લઈ શકીએ છીએ. હોળી એ અધર્મ પર ધર્મના અને નકારાત્મકતા પર સકારાત્મકતાના વિજયનું પ્રતીક છે.

ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા રાધાજી અને ગોપ-ગોપીઓ પર રંગ લગાવવાની લીલા આપણને એકબીજાની ભિન્નતાને સ્વીકારીને તેની ઉજવણી કરવાનું શીખવે છે. જે રીતે હોળીના રંગોમાં બધા રંગો ભળી જાય છે, તે જ રીતે આપણે પણ સામાજિક ભેદભાવો ભૂલીને ખુલ્લા દિલથી એકબીજાને આવકારવા જોઈએ. વૈજ્ઞાનિક સંશોધનો પણ એ વાતની પુષ્ટિ કરે છે કે સામૂહિક ઉજવણીઓ આપણા માનસિક સ્વાસ્થ્ય પર ઊંડી સાનુકૂળ અસર કરે છે. ઉત્સવ દરમિયાન ભાઈચારો અને ખુશીઓનું વાતાવરણ મગજમાં સેરોટોનિન જેવા હેપ્પી હોર્મોન્સનું સ્તર વધારે છે, જેનાથી તણાવ ઘટે છે અને એકલતા દૂર થાય છે.

આપણા કાર્યક્રમોમાં નાના-નાના ફેરફારો કરીને સાઇન લેંગ્વેજના દુભાષિયા રાખવા, કાર્યક્રમોમાં સબટાઈટલ આપવા અ સેન્સરી ફ્રેન્ડલી વાતાવરણ ઊભુ કરવું. આવા સરળ પગલાંઓથી આપણે સમાજના છેવાડાના વ્યક્તિ સુધી પણ ઉજવણીનો આનંદ પહોંચાડી શકીએ છીએ.

સકારાત્મકતા એ માત્ર તહેવારો પૂરતી સીમિત બાબત નથી, પરંતુ તે એક જીવનશૈલી છે. દરરોજ કરવામાં આવતું દયાનું એક નાનું કાર્ય, કોઈને આપવામાં આવેલું હોંકારો, કે પ્રેમપૂર્વક કરેલી વાતચીત પણ સામાન્ય ક્ષણને ખાસ બનાવી શકે છે.

આ વર્ષે ઉત્સવોની ઉજવણી કરતી વખતે આપણે એક સંકલ્પ કરીએ કે આપણી ઉજવણીને માત્ર આપણા પરિવાર પૂરતી સીમિત ન રાખતા, એકલા રહેતા પડોશીઓને પણ તેમાં સામેલ કરીએ. દિવ્યાંગજનો અને જરૂરિયાતમંદ બાળકો માટે ખુશીના દ્વાર ખોલીએ. સમાજના દરેક વર્ગને આદર અને સન્માન સાથે ઉજવણીનો ભાગ બનાવીએ.

Comments

Popular posts from this blog

અપેક્ષાઓથી પર થઈને જીવવું...

મૈત્રીનો ઉત્સવ આજીવન ઉજવાતો હોય છે

પોઝિટિવ વાઇબ્સ: જીવન બદલવાનનો મેજિકલ મંત્ર