ટેકનોલોજીની હરણફાળ વચ્ચે આપણા વિચારો ક્યાં ખોવાયા?

 ટેકનોલોજીની હરણફાળ વચ્ચે આપણા વિચારો ક્યાં ખોવાયા?


માનવજાતને કુદરતે આપેલી સૌથી મોટી અને અનોખી ભેટ એટલે વિચારવાની ક્ષમતા. અબજો ચેતાકોષો દ્વારા વીજળી અને રસાયણોના સહારે માહિતી પ્રોસેસ કરતું આપણું મગજ એક અત્યંત જટિલ અંગ છે. પ્રારંભિક જૈવિક ક્રિયાઓથી લઈને રોકેટ સાયન્સ સુધીની સફર આ મગજના તર્કને કારણે જ શક્ય બની છે. આજે આપણે સાયન્સ અને ટેકનોલોજીની એક એવી ક્રાંતિમાંથી પસાર થઈ રહ્યા છીએ જ્યાં મગજની આ વિચારવાની ક્ષમતામાંથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જન્મ થયો છે. જે મગજે આ સિસ્ટમ બનાવી, હવે એ સિસ્ટમ જ માનવ મગજને પ્રોસેસ કરવા લાગી છે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે: શું ટેકનોલોજીની સાથે આપણો માનસિક અભિગમ બદલાયો છે?


હાલમાં જ અમેરિકામાં શ્રવણ સ્વાસ્થ્ય પર યોજાયેલી એક વૈશ્વિક પરિષદમાં હાજરી આપવાનો મને અવસર મળ્યો. એક સમય હતો જ્યારે સાંભળવામાં તકલીફ અનુભવતા લોકો માટે માત્ર સામાન્ય એમ્પ્લીફાયર જેવા હિયરિંગ એઇડ ઉપલબ્ધ હતા, જે માત્ર અવાજ મોટો કરતા. આજે આ ચિત્ર પૂરેપૂરું બદલાઈ ગયું છે. હવે આ ઉપકરણોમાં એડવાન્સ એઆઈ અને ડીપ લર્નિંગ અલ્ગોરિધમનો ઉપયોગ થાય છે. આ ટેકનોલોજી વ્યક્તિના મગજની ચોક્કસ જરૂરિયાતોને સમજીને તે મુજબ અવાજને ફિલ્ટર કરે છે.


પરિષદમાં એક વક્તાએ ખૂબ માર્મિક વાત કહી કે જો મારા ઘરમાં રહેલું એલેક્સા મારી બોલી અને ભાષા સમજી શકતું હોય, તો મારું હિયરિંગ એઇડ કેમ નહીં? આ વિધાન દર્શાવે છે કે ટેકનોલોજી કયા સ્તરે પહોંચી છે. પ્રાચીનકાળમાં સૂર્યના કિરણો જોઈને સમય માપતો માનવી આજે સ્માર્ટફોન અને એઆઈ દ્વારા હવામાનની આગાહીથી લઈને ઘરના તાપમાન સુધીનું બધું જ નિયંત્રિત કરે છે.


એક તરફ ટેકનોલોજીનો આ અકલ્પનીય વિકાસ છે, તો બીજી તરફ સમાજની સંકુચિત માનસિકતા હજુય કાયમ છે. વિશ્વના ઘણા ભાગોમાં આજે પણ બહેરાશ કે શ્રવણમંદતા ધરાવતી વ્યક્તિઓને સમાજમાં એક બોજ ગણવામાં આવે છે. આવા લોકો પાછળ આટલી મોંઘી ટેકનોલોજીનો ખર્ચ શા માટે કરવો અથવા તેમને મુખ્યધારામાં શા માટે સમાવવા જેવા અજ્ઞાનતાભર્યા પ્રશ્નો ઊભા થાય છે.


વાસ્તવિકતા એ છે કે જો યોગ્ય ટેકનોલોજી અને પ્રોત્સાહન મળે, તો આ વ્યક્તિઓ સામાન્ય લોકો કરતાં પણ વધુ બહેતર પરિણામો આપી શકે છે. તેઓ સમાજ માટે જવાબદારી નહીં, પરંતુ અનન્ય સંપત્તિ છે. ક્રાંતિ માત્ર લેબમાં કે ટેકનોલોજીમાં આવે તે પૂરતું નથી; સમાજના મગજમાં રહેલા પૂર્વગ્રહો દૂર થાય ત્યારે જ સાચો માઇન્ડસેટ શિફ્ટ ગણાશે. ચેટજીપીટી, ગૂગલ જેમિની અને અન્ય એઆઈ ટૂલ્સના આગમન પછી સ્થિતિ એવી છે કે માણસે માત્ર વિચારવાનું છે, કામ મશીન કરી આપે છે. પરંતુ આ સુવિધા આપણને એક ખતરનાક મોડ પર લાવીને ઊભી રાખે છે. શું ભવિષ્યમાં માણસે વિચારવાનું જ બંધ કરી દેવું પડશે?


યાદ રાખવું જરૂરી છે કે આપણે ટેકનોલોજીના સર્જક છીએ, તેના દાસ નથી. વૈજ્ઞાનિકોએ પોતાના જટિલ વિચારોથી જે સાધનો બનાવ્યા છે, તેનો ઉપયોગ આપણી ક્ષમતા વધારવા માટે થવો જોઈએ, આપણી વિચારવાની ક્ષમતાને અપંગ બનાવવા માટે નહીં. જો એલેક્સા આપણું કહ્યું સાંભળે છે, તો આપણે પણ આપણા મગજને એ રીતે તાલીમ આપવી પડશે કે તે ટેકનોલોજીનું ગુલામ ન બને. ટેકનોલોજી ગમે તેટલી હોંશિયાર થાય, તે માનવ સંવેદનાઓનું સ્થાન લઈ શકતી નથી. કોન્ફરન્સ દરમિયાન ઇમોશનલ ઇન્ટેલિજન્સ પર થયેલી ચર્ચા ખૂબ આંખ ઉઘાડનારી હતી. ઘણીવાર ઈક્યુને બુદ્ધિમત્તાનો વિરોધી માનવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતામાં તે હૃદય અને મગજ વચ્ચેનો એક સંતુલિત સંવાદ છે.


જો આપણે એઆઈનો સાચો લાભ લેવો હોય, તો પહેલાં આપણે પોતાની જાત પર કામ કરવું પડશે. આપણી લાગણીઓ અને વર્તન પર આપણો કાબૂ હોવો જરૂરી છે. સામેની વ્યક્તિને માત્ર સાંભળવા માટે નહીં, પણ સમજવા માટે સાંભળવી, રચનાત્મક ટીકાનો સ્વીકાર કરવો અને વાદ-વિવાદોને શાંતિથી ઉકેલવા. ઉચ્ચ ઈક્યુ વગર એડવાન્સ ટેકનોલોજી પણ નિરર્થક અને ક્યારેક જોખમી સાબિત થઈ શકે છે.


આજે એક તરફ ટેકનોલોજી ટોચ પર છે, તો બીજી તરફ માનવજાત કુદરતી સંપત્તિની અવગણના કરી રહી છે. પરિણામે કુદરતી હોનારતો વધી રહી છે અને માનસિક તણાવ, ડિપ્રેશન તથા નકારાત્મકતા ચિંતાજનક રીતે વધી રહ્યા છે. લોકો ધ્યાન કરવાનો પ્રયાસ કરે છે, પણ એકાગ્રતા મેળવી શકતા નથી. શાંતિ બહારના સાધનોથી નથી મળતી, તે માટે અંદરનો અભિગમ બદલવો પડે છે. આપણા બાળકો, પરિવાર અને સમાજના નબળા વર્ગો સાથેના સંબંધોને ફરીથી જીવંત કરવાની જરૂર છે. ટેકનોલોજીકલ ક્રાંતિનો સ્વીકાર કરતી વખતે આપણે આપણી સંવેદનશીલતા અને કુદરત પ્રત્યેની જવાબદારી ભૂલવાની નથી.

Comments

Popular posts from this blog

અપેક્ષાઓથી પર થઈને જીવવું...

મૈત્રીનો ઉત્સવ આજીવન ઉજવાતો હોય છે

પોઝિટિવ વાઇબ્સ: જીવન બદલવાનનો મેજિકલ મંત્ર