આપણને માણસ કરતાં પેટ્સ કેમ વધુ વહાલા લાગે છે?
આપણને માણસ કરતાં પેટ્સ કેમ વધુ વહાલા લાગે છે?
દરેક સંબંધનું પોતાનું એક વિશેષ મૂલ્ય હોય છે, પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે આપણે એ સંબંધને કેવું અને કેટલું મૂલ્ય આપીએ છીએ. ઈશ્વર અને ભક્ત વચ્ચેનો ભાવ હોય, માતા-પિતા અને સંતાન વચ્ચેનો સ્નેહ હોય, પરિવારના સભ્યો, દંપતી કે મિત્રો વચ્ચેની આત્મીયતા હોય, કોઈ કંપનીના માલિક અને કર્મચારીઓ વચ્ચેનો પરસ્પર વિશ્વાસ હોય, કે પછી મનુષ્ય અને તેના પાલતુ પશુ-પંખી વચ્ચેનો પ્રેમ હોય કોઈપણ સંબંધ ત્યારે જ જીવંત રહે છે જ્યારે તેમાં પરસ્પર આદર, સમજણ, ગાઢ વિશ્વાસ, લાગણીઓની વહેંચણી અને ક્ષમાભાવ હોય.
આજે ઘણીવાર એક પ્રશ્ન મનમાં જાગે છે, લોકો પોતાના ઘરમાં જીવનસાથી કે માનવ સંબંધો વિકસાવવાને બદલે પાલતુ પ્રાણીઓ રાખવાનું વધુ કેમ પસંદ કરવા લાગ્યા છે? કદાચ એટલે કારણ કે પ્રાણીઓ સાથેના સંબંધમાં કોઈ જટિલ સંવાદ, દલીલો, પ્રશ્નો કે સંબંધને સતત સાબિત કરવાની જરૂર નથી હોતી. તમે એમને થોડો પ્રેમ આપો, તો સામેથી અપરંપરાગત સ્નેહ જ મળે છે. પણ પ્રશ્ન એ થાય છે કે જે ધીરજ અને પ્રેમ આપણે એક પ્રાણીને આપીએ છીએ, તે જ પ્રેમ આપણી સાથે રહેતા અને આપણી લાગણીઓ શેર કરતા માણસને કેમ નથી આપી શકતા? શું આપણે ધીમે ધીમે સેલ્ફી સંસ્કૃતિ તરફ વધી રહ્યા છીએ, જ્યાં માત્ર હું અને મારું જ મુખ્ય બની ગયું છે?
આપણા ઇતિહાસ અને સંસ્કૃતિ તરફ નજર કરીએ તો, ભગવાન શ્રીકૃષ્ણનો સ્વભાવ એવો હતો કે રાજ્યનો સામાન્યમાં સામાન્ય માણસ પણ પોતાની સમસ્યા લઈને તેમની પાસે જઈ શકતો, અને તેઓ અત્યંત પ્રેમથી તેનો ઉકેલ લાવતા. આપણા રાજા-મહારાજાઓ પણ દરબાર ભરીને પ્રજાના દિલની વાત સાંભળતા. આજે જ્યારે આપણે એક વિશાળ લોકશાહી દેશમાં જીવી રહ્યા છીએ, જ્યાં આપણને અભિવ્યક્તિની સંપૂર્ણ સ્વતંત્રતા છે, છતાં આપણે સંવાદથી દૂર કેમ ભાગી રહ્યા છીએ?
આજના દોડધામભર્યા યુગમાં એક બીજી મોટી માનસિક સમસ્યા ઈમ્પોસ્ટર સિન્ડ્રોમ તરીકે સામે આવી રહી છે. ઘણીવાર વ્યક્તિ પોતાની ક્ષમતાઓ પર શંકા કરે છે, પરફેક્શનિઝમના ચક્કરમાં પોતાની સફળતાઓને નાની ગણે છે, અને નિષ્ફળતાના ડરથી સતત માનસિક તાણમાં જીવે છે. પોતાની જાત સાબિત કરવાની આ આંધળી દોડમાં લોકો પોતાનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય ખોઈ બેસે છે અને જીવનની અનેક સુંદર તકો ગુમાવી દે છે. આપણે જાતે જ પોતાના મનમાં અવાસ્તવિક અપેક્ષાઓ ઊભી કરી લઈએ છીએ, જે એક વિષચક્ર બની જાય છે.
આજે પરિસ્થિતિ એ છે કે આપણે સૌપ્રથમ પોતાની જાતનું મૂલ્ય ભૂલી ગયા છીએ. સોશિયલ મીડિયાની આ ચમકધમક વાળી દુનિયામાં આપણે બધા આપણું શ્રેષ્ઠ રૂપ દર્શાવવાનો પ્રયાસ કરીએ છીએ, પણ અંદરથી એકલવાયા બનતા જઈએ છીએ. પરંતુ મનુષ્ય એક સામાજિક પ્રાણી છે; આપણે સમાજ અને સંબંધોથી અલગ થઈને જીવી શકીએ નહીં. જીવનમાં ધ્યેય પ્રાપ્ત કરવાની સાથે સાથે સંબંધોને સમય અને ધ્યાન આપવું એટલું જ જરૂરી છે.
હું જ્યારે વ્યાવસાયિક રીતે એવા બાળકો અને માતા-પિતાના સંપર્કમાં આવું છું, જે બાળક સાંભળવાની કે બોલવાની ક્ષમતામાં પડકારોનો સામનો કરી રહ્યું હોય, ત્યારે મારું પહેલું કર્તવ્ય તેમને એ વિશ્વાસ આપવાનું હોય છે કે 'અમે તમારી સાથે છીએ.' આ ભાવનાત્મક ટેકો અને વિશ્વાસ જ માતા-પિતાને આગળ વધવાની હિંમત આપે છે.
જ્યારે કોઈ નાનું બાળક ચાલતા કે બોલતા શીખે છે, ત્યારે માતા-પિતા જો તેને હૂંફ આપે કે તૂ પડીશ તો પણ હું તને સંભાળવા ઊભો છું અથવા તૂ બોલ, હું તને સાંભળું છું, તો તે બાળકના મનમાં બાળપણથી જ એક અદ્ભુત સુરક્ષા અને આત્મવિશ્વાસનો જન્મ થાય છે. આજે આપણે આ જ ધીરજ અને પ્રેમ પાલતુ પ્રાણીઓને આપીએ છીએ, પણ શું આપણા સંતાનોને આપી શકીએ છીએ? આજનો બાળક સ્માર્ટફોનની સ્ક્રીનમાં ખોવાયેલો છે કારણ કે માતા-પિતા પાસે તેને સાંભળવાનો સમય નથી, અને ક્યારેક સંતાનો પાસે માતા-પિતા માટે સમય નથી. બંને તરફથી સંવાદ તૂટી રહ્યો છે.
બાળપણમાં જે નિષ્પાપ હૂંફ આપણને મળે છે, તે ઉંમર વધવાની સાથે ગાયબ કેમ થઈ જાય છે? મને એક પ્રસંગ યાદ આવે છે. એક મહિલા પોતાની વાણીની તકલીફ માટે મારી પાસે આવ્યા હતા. તેમણે કહ્યું, એક દિવસ હું ખૂબ ઉદાસ હતી, એટલે હું ગઈ અને મારા દીકરાને ભેટાઈ પડી. તો એમના દીકરાએ આશ્ચર્યથી પૂછ્યું, મમ્મી, આટલા વર્ષોમાં તો તેં ક્યારેય આવું નથી કર્યું, આજે કેમ? આ વાત સાંભળીને મને લાગ્યું કે આપણી લાગણીઓમાં કેવડી ઊંડાણ છે! તો પછી પ્રેમ અને હૂંફ વ્યક્ત કરવી એ આપણા રોજિંદા જીવનનો સહજ ભાગ કેમ ન બની શકે? એક નિર્દોષ ભેટી પડવું કે આશ્વાસનનો સ્પર્શ વ્યક્તિના શરીર અને મનમાંથી અડધો તાણ દૂર કરી દે છે.
સૃષ્ટિનો નિયમ જુઓ જ્યારથી આપણે આ દુનિયામાં આવ્યા છીએ, ઈશ્વરે આપણી દરેક જરૂરિયાત પૂરી કરી છે. માતાના દૂધથી આપણને પહેલું પોષણ મળ્યું, પ્રકૃતિએ હવા અને પાણી આપ્યા, વનસ્પતિએ અન્ન આપ્યું અને સૂર્ય-ચંદ્રે આપણને જીવનનો લય આપ્યો. જો ઈશ્વરે આપણને જીવવા માટે આટલું બધું આપ્યું છે અને વિચારવા માટે મગજ આપ્યું છે, તો પછી આટલી બધી ચિંતા શા માટે?
જ્યારે આપણે આપણી જાતને, આપણા સંબંધોને, આપણા કામને, પર્યાવરણને અને આપણા સમયને સાચું મૂલ્ય આપતા શીખીશું, ત્યારે જીવનમાં એક મોટો સકારાત્મક બદલાવ આવશે. જ્યારે એક બાળક માતા-પિતા સાથે કોઈપણ સંકોચ વગર વાત કરી શકે; જ્યારે જીવનસાથી આવીને કહી શકે કે મને તારી સાથે ફરી ફરી પ્રેમમાં પડવું ગમે છે જ્યારે કર્મચારીઓ કહી શકે કે અમને અહીં કામ કરવાનું સુરક્ષિત લાગે છે અને જ્યારે એક મિત્ર કહી શકે કે હું તારા દરેક સારા-નરસા સમયમાં તારી સાથે છું ત્યારે જ સમજવું કે આપણે સાચા અર્થમાં જીવતા શીખી ગયા છીએ.
જ્યારે આપણે આપણી જાતને અને આપણી આસપાસના દરેક માનવ સંબંધને મૂલ્ય આપવાનું શરૂ કરીશું, ત્યારે આ આખું બ્રહ્માંડ એક સુંદર અને સકારાત્મક ઊર્જાથી ભરાઈ જશે.
Comments
Post a Comment