શું તમારા એક શબ્દથી કોઈનું જીવન બદલાઈ શકે?

શું તમારા એક શબ્દથી કોઈનું જીવન બદલાઈ શકે?

આજના ભાગદોડભરા જીવનમાં ‘ગુડ વાઇબ્સ ઓન્લી’ શબ્દ માત્ર એક ટ્રેન્ડી કેચફ્રેઝ નથી રહ્યો, પણ એ એક સભાન જીવનશૈલી બની ગયો છે. આપણે જેવા વિચારો સેવીએ છીએ, તેવી જ ઊર્જા કે ‘વાઇબ્સ’ આપણી આસપાસ ઉત્પન્ન થાય છે. જો વિચારપ્રક્રિયા હકારાત્મક અને રચનાત્મક દિશામાં વહેતી હોય, તો આપણું મન અને આસપાસનું વાતાવરણ પણ એ જ ઊર્જાથી ભરાઈ જાય છે. એક વ્યક્તિ માટે પોતાનો દ્રષ્ટિકોણ બદલવા માટે માત્ર પોતાના વિચારોની દિશા બદલવી પૂરતી છે; અને ક્ષણભરમાં તેની સમક્ષ એક નવું જ જગત ખુલ્લું મુકાય છે.

હું આ વાત શા માટે કહી રહી છું? હાલમાં જ હું એન્જિનિયરિંગના ત્રીજા વર્ષમાં ભણતા એક યુવકને મળી. તેનો દિલથી ડ્રીમ-ગોલ પાઇલટ બનવાનો છે. તે ખૂબ જ હોંશિયાર, બુદ્ધિશાળી અને આત્મજાગ્રત છોકરો છે. પોતાની ક્ષમતાઓ અને નબળાઈઓ બંને વિશે તે સ્પષ્ટ છે. જોકે, તેને વાત કરતી વખતે થોડો ખચકાટ થાય છે તેને લાગે છે કે તે સ્પષ્ટપણે બોલી શકતો નથી. છતાં, એકાદ વર્ષના મનોમંથન પછી તેણે પાઇલટ બનવા માટે તાલીમ લેવાનો દ્રઢ નિશ્ચય કર્યો.

વાતચીત દરમિયાન મેં તેને સહજ પૂછ્યું, જો તારે પાઇલટ સિવાય બીજો કોઈ રસ્તો પસંદ કરવાનો હોય, તો તું શું કરે? તેણે તરત જ પોતાની મમ્મી તરફ જોયું અને કહ્યું, હું મમ્મી સાથે ચર્ચા કરીશ અને એ જે કહેશે તે કરીશ. પરંતુ એ સમયે તેની માતાના ચહેરા પર એક અજીબ નિરુત્સાહ અને શૂન્યતા હતી. છોકરો બીજા રૂમમાં ગયો એટલે મેં તેની માતાને પૂછ્યું, તમને શું લાગે છે, તમારા દીકરાએ શું બનવું જોઈએ? તેમણે કહ્યું, એ પાઇલટ બને એમાં મને વાંધો નથી, પણ સાચું કહું તો હું નથી ઇચ્છતી કે એ પાઇલટ બને. હવે વિચારવા જેવી વાત એ છે કે, આ છોકરા માટે તેની માતા એક રોલ મોડેલ છે. છોકરો પણ અચેતન મનથી એ વાતથી વાકેફ છે કે તેની મમ્મી તેના આ સ્વપ્નને પૂર્ણ સમર્થન આપતી નથી. જ્યારે આટલું નકારાત્મક કે દ્વિધાભર્યું વાતાવરણ આસપાસ હોય, ત્યારે તે પોતાના લક્ષ્યમાં કેવી રીતે સફળ થઈ શકે? તે સતત એક દ્વિધામુક્ત મન વગર જીવશે કે હું આ ક્ષેત્રમાં આગળ વધું કે નહીં? એકતરફ તેને બોલવામાં પડતી તકલીફનો સામનો કરવાનો છે, અને બીજી તરફ જે વ્યક્તિને તે સૌથી વધુ ચાહે છે અને આદર આપે છે, ત્યાંથી જ તેને હકારાત્મક વાઇબ્સ નથી મળી રહ્યા.

મેં તેની માતાને નમ્રતાપૂર્વક વિનંતી કરી, જો તમે ખરેખર તમારા બાળકને સફળ જોવા માંગતા હો, તો તેને અડધા મનથી કે મૂંઝવણભરી ઊર્જાથી નહીં, પણ પૂર્ણ હૃદયથી સપોર્ટ કરો. તમારો સાચો પ્રોત્સાહક ભાવ અને તેના સ્વપ્ન પરનો તમારો વિશ્વાસ ચમત્કાર સર્જી શકે છે. વિશ્વાસ અને પ્રેમ સાથે તેની આ યાત્રાનો ભાગ બનો. ઘણીવાર આપણે આપણી વિચારસરણીમાં એટલા જડ બની જઈએ છીએ કે અજાણતા જ અન્ય લોકોના જીવનમાં અશાંતિ ઊભી કરી દઈએ છીએ. છતાં, કોઈના તરફનો એક હકારાત્મક વિચાર કે એક દયાળુ વર્તન પણ તે વ્યક્તિના જીવનમાં મોટો બદલાવ લાવી શકે છે. 

સાંભળવાની ક્ષતિ ધરાવતા બાળકો સાથે કામ કરતી વખતે અને જીવનના પડકારોનો સામનો કરવાની તેમની હિંમત જોતી વખતે, મારૂં મન એક અનોખી સકારાત્મક ઊર્જાથી ભરાઈ જાય છે. હું મારા પોતાના દુઃખ અને મુશ્કેલીઓને ભૂલી જાઉં છું. આ અનુભવ મને ઊંડાણપૂર્વક વિચારવા મજબૂર કરે છે મારી બધી ઇન્દ્રિયો સલામત છે, છતાં હું ઘણીવાર નાની નાની બાબતોમાં ફરિયાદો કરતી રહું છું અને મને મળેલી નમ્ર આશીર્વાદરૂપી ભેટોનું મૂલ્ય સમજવામાં નિષ્ફળ જાઉં છું.

આપણે અવારનવાર માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓથી ઝૂઝતા લોકોને જોઈએ છીએ અને તેમના માટે દયા અનુભવીએ છીએ. સામાન્ય રીતે એવી ગેરસમજ હોય છે કે માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓ માત્ર ભાવનાત્મક રીતે નબળા લોકોને જ થાય છે, પરંતુ આ વાત બિલકુલ ખોટી છે. માનસિક તણાવ કે સમસ્યાઓ જનીનિક કારણો, પર્યાવરણીય દબાણ કે મગજમાં થતા કેમિકલ લોચાના કારણે પણ હોઈ શકે છે.

આ બધામાં, પર્યાવરણીય તણાવ ઘણીવાર આપણા દ્વારા જ અજાણતા નકારાત્મક, ઉપેક્ષિત કે બિન-સહકારી ટિપ્પણીઓ દ્વારા ઊભો થતો હોય છે. આપણને ખ્યાલ પણ નથી હોતો, પણ આપણી એક નાની અમથી કડવી કે નકારાત્મક વાણી સામેવાળી વ્યક્તિ માટે મોટો આઘાત બની શકે છે. એટલા માટે જ સભાનપણે વાતાવરણમાં સકારાત્મક વાઇબ્સ ફેલાવવાની ટેવ પાડવી જરૂરી છે. એક નાનો પ્રોત્સાહક શબ્દ, એક સ્નેહભરી નજર કે માત્ર સંવેદનશીલતાપૂર્વક કોઈની સાથે ઊભા રહેવું આટલું કરવાથી માત્ર વ્યક્તિનો ઉત્સાહ નથી વધતો, પણ સમાજમાંથી માનસિક સ્વાસ્થ્યના પ્રશ્નો પણ ઘટી શકે છે.

મેં એક પુસ્તકમાં વાંચ્યું હતું કે ઘણીવાર આપણે ખૂબ સખત મહેનત કરીએ છીએ અને લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. એકાગ્રતા અને સાતત્ય સફળતા માટે જરૂરી છે જ. તમે શિક્ષિત હશો, કુશળ હશો અને પ્રતિભાશાળી પણ હશો; પરંતુ જ્યાં સુધી તમે તમારા દરેક કાર્યની આસપાસ સકારાત્મક વાઇબ્સ નિર્માણ કરવાની ટેવ નહીં કેળવો, ત્યાં સુધી પૂર્ણ સફળતા હાથતાળી આપી શકે છે. આપણી ભીતરની ગુડ વાઇબ્સ એક શક્તિશાળી ઉદ્દીપક તરીકે કામ કરે છે, જે આપણા લક્ષ્ય સુધી પહોંચવાની ઝડપને વધારી દે છે.

ભગવાન શ્રીકૃષ્ણનું નિષ્પાપ હાસ્ય અને સત્ય માટે લડવાનો દ્રઢ સંકલ્પ, અધર્મ સામે ધર્મની સ્થાપના માટે શ્રીરામે આપેલા કૌટુંબિક ત્યાગ, માતા-પિતા પ્રત્યે ભગવાન ગણેશનો અથાહ આદર, અને મહિષાસુરમર્દિની માં દુર્ગા કે કાલીનું પાપ પર વિજય મેળવવાનું રોદ્ર સ્વરૂપ આ બધા દિવ્ય પ્રતીકોએ હંમેશાં આપણા જીવનમાં સકારાત્મક ઊર્જા વહાવી છે. સદીઓથી તેઓ મૂર્તિરૂપે આપણી આસપાસ રહે છે, છતાં તેમની ઊર્જા એટલી જ જીવંત છે કે માત્ર તેમની સમીપ હોવાનો અહેસાસ જ આપણને શાંતિથી ભરી દે છે. તેઓ કોઈ અપ્રાપ્ય અલૌકિક જીવ તરીકે નહીં, પણ માનવ સ્વરૂપે ઉચ્ચ આદર્શો જીવી બતાવનાર પ્રેરણાસ્ત્રોત છે. આજે મન, આત્મા અને ઊર્જાને શુદ્ધ રાખવા માટે લોકો માઇન્ડફુલનેસ અને એનર્જી હીલિંગ તરફ વળી રહ્યા છે. આપણી અંદરનો વાઇબ્રેશનલ પાવર ખૂબ મોટો છે. જે રીતે આપણા ઘરમાં સ્થાપિત દિવ્ય મૂર્તિઓ શાંતિ આપે છે, તેમ આપણું પોતાનું મન પણ આસપાસના વાતાવરણમાં હકારાત્મક કે નકારાત્મક ઊર્જા ફેલાવે છે. સકારાત્મક માનસિકતાનો અર્થ પડકારોને અવગણવો એવો નથી, પણ તેનો સામનો ગ્રેસ, કૃતજ્ઞતા અને સદભાવથી કરવો એવો છે.

તમારા મનને એક પવિત્ર ‘આધ્યાત્મિક પરિસંસ્થાન’ ગણો. તમે તેને જે વિચારોનું ભાથું આપશો, તે જ વધશે. દરેક વિચાર, શબ્દ અને ઈરાદાની પોતાની એક ચોક્કસ ફ્રીક્વન્સી હોય છે. ‘ગુડ વાઇબ્સ’ પસંદ કરવાનો અર્થ કોઈ બનાવટી હાસ્ય કે ‘ટોક્સિક પોઝિટિવિટી’ નથી, પણ પોતાની લાગણીઓ પ્રત્યે જાગ્રત રહેવું, જૂના નકારાત્મક પેટર્નમાંથી બહાર આવવું અને ભયના સ્થાન પર પ્રેમને પસંદ કરવો એ છે. જ્યારે આ આંતરિક પરિવર્તન શરૂ થાય છે, ત્યારે જ બ્રહ્માંડ પણ તમારી આસપાસ અદ્ભુત અને ચમત્કારિક રીતે પ્રતિસાદ આપવાનું શરૂ કરે છે. 

Comments

Popular posts from this blog

અપેક્ષાઓથી પર થઈને જીવવું...

મૈત્રીનો ઉત્સવ આજીવન ઉજવાતો હોય છે

પોઝિટિવ વાઇબ્સ: જીવન બદલવાનનો મેજિકલ મંત્ર