ટેકનોલોજીના યુગમાં આત્માની ખોજ અને સંવેદનાઓનું પુનરાગમન

 ટેકનોલોજીના યુગમાં આત્માની ખોજ અને સંવેદનાઓનું પુનરાગમન


કુદરતનો એક સનાતન અને અચળ નિયમ છે. પૃથ્વી પર એ જ જીવ લાંબો સમય ટકી શકે છે જે બદલાતા પર્યાવરણ સાથે અનુકૂલન સાધી શકે. પક્ષીઓ કે પ્રાણીઓને જુઓ. જ્યારે વાતાવરણ પ્રતિકૂળ બને ત્યારે તેઓ સ્થળાંતર કરે છે, પરંતુ પરિસ્થિતિ સાનુકૂળ થતાં જ પોતાના મૂળ નિવાસસ્થાને પાછા ફરે છે. કુદરતના આ સાદા નિયમમાં માનવજાત માટે એક મોટો સંદેશ છુપાયેલો છે. માનવીએ ભૌતિક સુખ સુવિધા અને ઝડપ માટે ડિજિટલ ક્રાંતિ સર્જી, પરંતુ આ ક્રાંતિ વચ્ચે આપણે આપણા મૂળિયાં એટલે કે પ્રેમ, હૂંફ અને સાચા માનવીય સંબંધો ભૂલી રહ્યા છીએ. આજે સમય આવી ગયો છે કે આપણે ટેકનોલોજીના અતિરેક વચ્ચે આત્માના ડિજિટલ ડિટોક્સ વિશે ગંભીરતાથી વિચારીએ.

સામાજિક માધ્યમો અને ડિજિટલ ક્રાંતિએ આપણને વિશ્વ સાથે જોડ્યા જરૂર છે, પરંતુ સામે પક્ષે ઈર્ષ્યા, અસહનશીલતા, હિંસા અને સતત સરખામણીની એક એવી અંધારી દુનિયા પણ ઉભી કરી છે જેણે માણસની ધીરજ છીનવી લીધી છે. આજે શારીરિક અને માનસિક અત્યાચાર એટલા સામાન્ય બની ગયા છે કે સમાજ તેને નિષ્ક્રિયપણે સ્વીકારી રહ્યો છે.

હમણાંની જ એક ઘટના માનસિકતા સ્પષ્ટ કરે છે. એક યુવતીએ એક છોકરા દ્વારા બીજી યુવતી પર થતાં શારીરિક અને માનસિક અત્યાચારને પોતાની નજરે જોયો. એ દ્રશ્યથી ગભરાઈને તેણે કહ્યું કે મારે લગ્ન જ નથી કરવા. જો સંબંધમાં સન્માન જ ન મળવાનું હોય તો એવા સંબંધનો શો અર્થ. એના કરતાં તો હું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા મારો વર્ચ્યુઅલ પાર્ટનર બનાવી લઈશ, જે મારી પસંદ નાપસંદનું ધ્યાન તો રાખશે. આ વિચારસરણી દર્શાવે છે કે આપણે કઈ તરફ જઈ રહ્યા છીએ. માનવ સંબંધોનો વિશ્વાસ તૂટી રહ્યો છે અને એ જગા ટેકનોલોજી લઈ રહી છે, જે અત્યંત ચિંતાજનક છે.

ટેકનોલોજી પોતે ખરાબ નથી. તેનો ઉપયોગ કેવી રીતે થાય છે તે મહત્વનું છે. સાંભળવાની ક્ષતિ ધરાવતા બાળકો માટે ડિજિટલ સાધનો આશીર્વાદરૂપ સાબિત થયા છે. યોગ્ય ટેકનિકલ મદદથી આ બાળકો ભાષા શીખી રહ્યા છે, સ્પષ્ટ બોલતા થયા છે અને સમાજમાં આત્મસન્માન સાથે સામાન્ય જીવન જીવી રહ્યા છે.

એક પ્રસંગ યાદ આવે છે. જ્યારે આ વિશેષ બાળકો માટે એક ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું, ત્યારે તેમના ચહેરા પરનો આનંદ અદ્ભુત હતો. બાળકોએ કહ્યું કે અમે સોશિયલ મીડિયા પર સામાન્ય લોકોને આવી પ્રવૃત્તિઓ કરતા જોતા હતા અને આજે અમને લાગ્યું કે અમે પણ તેમના જેવા જ છીએ, અમે પણ આ કરી શકીએ છીએ. આ બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કોઈને નીચે પાડવા કે અશ્લીલતા ફેલાવવા માટે નથી કરતા, પરંતુ શીખવા, અવલોકન કરવા અને આત્મવિશ્વાસ મેળવવા માટે કરે છે. જે માધ્યમનો ઉપયોગ સામાન્ય લોકો ઘણીવાર નકારાત્મકતા ફેલાવવા કરે છે, તે જ માધ્યમનો વિવેકપૂર્ણ ઉપયોગ આ બાળકો સાચી દિશામાં કરી બતાવે છે. સાચો ડિજિટલ ડિટોક્સ શીખવો હોય તો આ બાળકોની નમ્રતા અને હેતુપૂર્ણતામાંથી શીખવા જેવું છે.

આજના મોટાભાગના ઘરોમાં એક સામાન્ય દ્રશ્ય જોવા મળે છે. માતા પોતાના નાના બાળકને ખોળામાં બેસાડીને આઈપેડ કે ફોન પર રાઈમ્સ અથવા વિડીયો બતાવીને જમાડતી હોય છે. બાળક સ્ક્રીનમાં એટલું લીન હોય છે કે તેને ખબર જ નથી હોતી કે તે શું ખાઈ રહ્યું છે. તેની વિઝ્યુઅલ મોટર સ્કિલ્સનો વિકાસ અટકી જાય છે, પણ સૌથી દુઃખદ વાત એ છે કે તે માતાના હાથના સ્પર્શ, તેની આંખોમાં છલકતા વાત્સલ્ય અને જે પ્રેમથી ભોજન બનાવાયું છે તે હૂંફથી વંચિત રહી જાય છે.

ટેકનોલોજીનો ઉપયોગ પૌષ્ટિક વાનગીઓ બનાવવાની રીત શીખવા માટે ચોક્કસ કરો, પરંતુ જ્યારે બાળકને ખવડાવો ત્યારે તમારું સંપૂર્ણ ધ્યાન બાળક પર હોવું જોઈએ, સ્ક્રીન પર નહીં. જો બાળપણથી જ તેના સ્નાયુઓ અને ઇન્દ્રિયો સ્ક્રીન સાથે જોડાઈ જશે, તો મોટો થઈને તે તમારી સાથે કે કુદરત સાથે કેવી રીતે લાગણીત્મક રીતે જોડાઈ શકશે. બાળકના આત્માને સ્પર્શવા માટે માતાપિતાએ પોતે પહેલા ડિજિટલ વિષચક્રમાંથી બહાર આવવું પડશે.

જીવનમાં પ્રેમ, લગ્ન, પરિવાર, મિત્રો, પાળેલા પ્રાણીઓ કે પોતાના કામ પ્રત્યેની નિષ્ઠા દર્શાવવા માટે સ્ક્રીનની જરૂર નથી હોતી. ઈમરજન્સીમાં સંપર્ક કરવા, ઝડપી પહોંચવા કે નવીનતા માટે ટેકનોલોજી ઉત્તમ છે, પણ માનવીય સંવેદનાઓ માટે નહીં.

પક્ષીઓ અને પ્રાણીઓ માત્ર જરૂરિયાત મુજબ સ્થળાંતર કરે છે અને સમય આવ્યે પોતાના મૂળ સ્થાને પાછા ફરે છે. શું માનવી તરીકે આપણે આટલો વિવેક ન રાખી શકીએ. ઈશ્વરે આપણને સૌને પ્રેમ, કરુણા અને સંવેદનાની એકસરખી શક્તિ આપી છે. પરંતુ મનુષ્યે પોતાની બુદ્ધિનો દુરુપયોગ કરીને ભેદભાવ અને નકારાત્મકતા ઉભી કરી, જેમાં ડિજિટલ માધ્યમોએ ઘી હોમવાનું કામ કર્યું છે.

શ્રીકૃષ્ણે મહાભારતના યુદ્ધ માટે કુરુક્ષેત્ર જેવી તટસ્થ અને બાહ્ય વિક્ષેપોથી મુક્ત જગ્યા પસંદ કરી હતી, જેથી યોદ્ધાઓનું ધ્યાન ભંગ ન થાય. આજે આપણને પણ આપણા જીવનમાં એક એવા કુરુક્ષેત્ર એટલે કે તટસ્થ માનસિક જગ્યાની જરૂર છે, જ્યાં ડિજિટલ ઘોંઘાટ આપણી શાંતિ ન છીનવી શકે.

ડિજિટલ ડિટોક્સનો અર્થ માત્ર ફોન સ્વિચ ઓફ કરવો કે સોશિયલ મીડિયા એકાઉન્ટ બંધ કરી દેવું નથી, પરંતુ પોતાની ભીતરની જાગૃતિને સ્વિચ ઓન કરવી છે. તેનો અર્થ છે ટેકનોલોજીને એક સાધન તરીકે વાપરવી, તેને આપણા જીવનની માલિક ન બનવા દેવી.

જે દિવસે આપણે ભીડની પાછળ અંધ બનીને દોડવાને બદલે સ્વ જાગૃતિ કેળવીશું, તે દિવસે સાચો ડિજિટલ ડિટોક્સ શક્ય બનશે. ઝડપ કરતાં ઊંડાણ, ડીવાઈસ કરતાં હાજરી અને સ્ક્રીન ટાઈમ કરતાં આત્મિકતાને પસંદ કરીને જ આપણે આપણા વાસ્તવિક અસ્તિત્વને બચાવી શકીશું.

Comments

Popular posts from this blog

અપેક્ષાઓથી પર થઈને જીવવું...

મૈત્રીનો ઉત્સવ આજીવન ઉજવાતો હોય છે

પોઝિટિવ વાઇબ્સ: જીવન બદલવાનનો મેજિકલ મંત્ર